શ્રીમતી એસ.કે. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કલ્યાણા, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણની નવી તક ઊભી કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલી સંસ્થા છે. ખાસ કરીને ધોરણ ૧૨ પછી આર્થિક પરિસ્થિતિ, આવનજાવન અને અન્ય કારણોસર ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જતા વિદ્યાર્થીઓને તેમના જ વિસ્તારમાં ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળી રહે તે આ કોલેજનો મુખ્ય હેતુ છે.
ગ્રામ્ય વિસ્તારની દીકરીઓના શિક્ષણમાં પડતા અવરોધો દૂર કરી તેઓનું શિક્ષણ ચાલુ રહે અને તેમનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે તે માટે કોલેજ વિશેષ પ્રયત્નશીલ છે. આજે કોલેજમાં મોટી સંખ્યામાં દીકરીઓ અભ્યાસ કરી રહી છે, જે અમારા માટે આનંદ અને ગૌરવની બાબત છે.
શ્રી કલ્યાણ જૂથ કેળવણી મંડળ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની પરંપરાને આગળ વધારતાં આ કોલેજની સ્થાપના કરવામાં આવી છે. સંસ્થાના દાતાશ્રીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સમાજના સહયોગથી મળેલા સંસાધનોનો સદુપયોગ કરી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો અમારો સતત પ્રયાસ છે.
અમારો ઉદ્દેશ માત્ર વિદ્યાર્થીઓને સ્નાતકની ડિગ્રી આપવાનો નથી, પરંતુ તેમને જ્ઞાન, સંસ્કાર, આત્મવિશ્વાસ, કૌશલ્ય અને જવાબદારીથી સજ્જ કરીને આત્મનિર્ભર બનાવવાનો છે. શિક્ષણની સાથે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વ્યક્તિત્વ વિકાસ અને કારકિર્દી માર્ગદર્શન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કરવામાં આવે છે.
આ કોલેજ આવનારા સમયમાં પણ ગ્રામ્ય વિસ્તારના યુવાનો, ખાસ કરીને દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણનું મજબૂત કેન્દ્ર બને અને સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી અમારી શુભેચ્છા અને સંકલ્પ છે.